ભારતના આશરે 45 ટકા નાગરિકો એટલે કે આશરે 143 કરોડની વસ્તીમાં અંદાજે 64 કરોડ નાગરિકો જરૂરિયાત કરતા વધારે એટલે કે દૈનિક 5 ગ્રામથી વધારે મીઠું ખાય છે, એકંદરે ભારતના લોકો 3 ગ્રામથી માંડીને 10 ગ્રામ સુધી દૈનિક નમકનો ઉપયોગ કરે છે જે પ્રમાણ ઘટાડવા સરકારના ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચની જારી ખોરાક અંગેની માર્ગદર્શિકામાં જણાવાયું છે.
સોડિયમ અને પોટેશિયમની સમતુલા જાળવવી
શરીરની તંદુરસ્તી જાળવવા માટે સોડિયમ અને પોટેશિયમની સમતુલા જળવાવી જોઈએ. કુદરતી નમક ઉપરાંત રસોઈ બનાવવામાં દરેકમાં મીઠું નાંખવું કે પ્રોસેસ્ડ ખોરાક લેવાથી શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય છે. સોડિયમનું પ્રમાણ વધવું અને પોટેશિયમનું ઘટવાથી હાઈબ્લડ પ્રેસરનો ખતરો વધે છે. બી.પી.વધારવા સાથે વધુ પડતું સોલ્ટ ગેસ્ટ્રીટીસ જેવા પેટના રોગ ઉપરાંત તેનાથી કેલ્શિયમનું પ્રમાણ ઘટતા હાડકાંની ઘનતા ઘટી જવી, ગેસ્ટ્રીક કેન્સર વગેરેનો ખતરો વધે છે. હાઈ બ્લડપ્રેસર અને નમક વચ્ચે તો મજબૂત સંબંધ રહેલો છે. કિડનીના રોગોનું જોખમ પણ વધે છે.
પુરુષોમાં હાઈ બી.પી.ના પ્રમાણમાં 20%નો વધારો થયો
છેલ્લા નેશનલ ફેમીલી હેલ્થ સર્વે મૂજબ ગત 5 વર્ષમાં પુરુષોમાં હાઈપર ટેન્શન અર્થાત્ હાઈ બી.પી.નું પ્રમાણ 20.2 ટકાથી વધીને 24 ટકા એટલે કે 20 ટકાનો વધારો થયો છે જ્યારે મહિલાઓમાં 15.3 ટકા પ્રમાણ 5 વર્ષમાં વધીને 21.3 ટકા એટલે કે આશરે 40 ટકાનો વધારો થયો છે. આ અન્વયે લોકોને આયોડાઈઝ્ડ સોલ્ટનો ઉપયોગ અને તે દૈનિક મહત્તમ 5 ગ્રામથી ઓછો કરવા, નમક વગરની ચીજનો સ્વાદ લેતા શિખવા, પ્રોસેસ્ડ ફૂડ કે જે જાળવવા માટે નમક વધુ વપરાય છે તેનો ઉપયોગ ઘટાડવા કે ટાળવા, નમકને બેલેન્સ કરવા મહત્તમ લીલા શાકભાજી, ફળો વગેરે ખાવા સલાહ અપાઈ છે.